સોચ બદલો તો દુનિયા બદલાઈ જશે…

આ લેખને સમજાવવા મારા થોડા અનુભવો તથા અંગત માહિતી આપની વચ્ચે મૂકી રહ્યો છુ. તત્કાલિન મારા મિત્રોની વાત પણ કરવી જરૂરી છે, મિત્રો વિશેની માહિતી અહીં પ્રકાશિત કરવાનો હેતુ માત્ર લોકોના વિચાર તથા જીવન ધોરણ અને જીવનશૈલી બદલાય તે જ છે, કોઈને નીચું બતાવવા અથવા કોઈની નિષ્ફળતાની ચર્ચા કરવા આ લેખ નથી તે વિનમ્ર ભાવે હું આપને જણાવું છું.

મારો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો. પરિસ્થિતિ અને માહોલ પ્રમાણે હું ભણવામાં ખુબજ નબળો હતો. ગુજરાતી વાંચવાનું જ્યારે હું ૫માં ધોરણમાં આવ્યો ત્યારે આવડ્યું હતું. મને ક્લાસરૂમમાં છેલ્લી બેંચ સિવાય બીજી કોઈ જગ્યાએ બેસવાનું ફાવે નહિ. ભણવામાં આળસુ હોવાને લીધે હું ધોરણ ૯ માં ફેઇલ થયો હતો. જેમતેમ કરી ધોરણ ૧૦ માં પહોંચ્યો ત્યાં ૧૦ મુ પાસ કરતા પણ ૩ ટ્રાયલ થઈ અને બે વર્ષ લાગ્યા હતા. ધોરણ ૧૨ માં માંડમાંડ પાસ થયો અને બાદમાં મિત્રોનાસહકારથી ગુજરાત કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. અહી મજાની વાત તો એ છે કે જ્યારે શાળામાં શિક્ષકોને મળવા ગયો ત્યાં સુધી મને એ નહોતી ખબર કે મે બી.એ. ની ડીગ્રી માટે એડમિશન લીધું છે. શિક્ષકોની વચ્ચે મજાકનું પાત્ર બન્યો હતો જ્યારે તેઓ પ્રશ્ન કર્યો કે શું લીધું ? બી.એ. કે બી.કોમ ? અને મે જવાબ આપ્યો કે કદાચ બી.કોમ હશે અને બાદમાં કહ્યું કે ગુજરાત કોલેજમાં એડમિશન લીધું છે. તેઓ ખૂબ હસ્યા હતા. તે સમયે શિક્ષણની આટલી જાગૃતિ નહોતી. મને પોતાને મારા મુખ્ય વિષયો ખબર નહોતા. રોજ કોલેજ જઈનેઆવું પણ ક્લાસ ક્યાં લેવાય છે તે મને ખબર નહોતી, માટે કોલેજમાં તથા આસપાસમાં ફરીને પાછો આવું. અડધું વર્ષ પુરું થવા આવ્યું ત્યારે મે ક્લાસ ભરવાનું શરૂ કર્યું અને જેમ તેમ કરી પરિક્ષા આપી. કયા અને ક્યાંથી પુસ્તકો ખરીદવા તે પણ મને ખબર નહોતી.

ઘરની આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે હું નાનપણથી જ નાની-મોટી નોકરી કરતો.ધોરણ ૧૨ ની પરિક્ષા આપી અને તરતજ બાવલામાં એક દવાની કંપનીમા મે નોકરી શરૂ કરી હતી જેનો સમય હતો સાંજે ૪ થી રાતના ૧ વાગ્યાનો. નોકરીમાથી છૂટીનેવાહન-વ્યવહારન અભાવે ઘરે આવતા સવારના ૩/૪ વાગી જતા. રાતના અંધારામાં હાઈવે ઉપર વાહન થોભાવવા હાથ ઊંચો કરો તો હાથ થાકી જાય પણ હોઈ વાહન ના ઉભુ રાખે. રાતનું ઘનઘોર અંધારું અને દોઢ-બે વાગ્યાનો સમય એટલે કોઈ વાહન ચાલક જોખમ ન લે તે સ્વાભાવિક હતું. પરંતુ ઈંટોના ખટારા અને લોડીંગ વાહનો મળતાં જેમાં બેસી હું સરખેજ સુધી આવતો. સરખેજ ઉજાલાથી મારા ઘરનું અંતર અંદાજે અઢી કિલોમીટર હતું, જે હું ચાલીને કાપતો. ભયંકર અંધારામા ખૂંખાર કૂતરાઓનો સામનો કરતા-કરતા હું ઘરે પહોંચતો. સરખેજ રેલવે ટ્રેકની આસપાસ લુંટારાઓ સાથે પણ બે વખત ભેટો થયેલો પણ ખિસ્સામાં માત્ર ભાડા જેટલા જ પૈસા હોવાથી તે લોકો મને લુંટવામાં નિષ્ફળ રહેતા. આવું સતત ૭ મહિના ચાલેલું અને બાદમાં કમ્પ્યુટર ક્લાસ પૂરા કરી મે અમદાવાદમાં નોકરી શોધી લીધેલી. સવારે કોલેજ અને ત્યાર બાદ સીધો નોકરી જતો,જ્યાં રાતે ૧૧:૩૦ વાગે છૂટી છેલ્લી બસમાં ૧ વાગ્યા સુધી ઘરે પહોંચું. તે સમયમાં ૨/૩ કલાકની ઊંઘ મળી જાય તો હું ખુશ થઈ જતો. આ સંઘર્ષમાં હું ઘણું શીખ્યો. ભૂત-પ્રેત, આત્મા-પરમાત્મા, રાશિ-ચોઘડિયા તથા ઈશ્વર વગેરે ઉપરથી હું વિશ્વાસ ગુમાવી બેઠો હતો. કૂતરાઓનો સામનો કેવી રીતે કરવો તેમાં મે કળા અને નિપુણતા હાંસલ કરેલી. ચરસ અને ગાંજા માટે ચોરી તથા લૂંટના રવાડે ચઢેલા લવર-મુછીયાઓને હું જોઈને જ ઓળખી લેતો. કિશોરાવસ્થામાં ખૂબ સાયકલ ચલાવવાનો મોકો મળ્યો તેના પરિણામે જ ૬ ફૂટ લંબાઈએ પહોંચ્યો. અમદાવાદનો તે સમયમાં ભાગ્યેજ કોઈ વિસ્તાર બાકી હશે જ્યાં હું મારી સાયકલ લઈને નહી પહોંચ્યો હોય. વિવિધ પ્રકારના અનુભવોએ મને નીડર બનાવી દીધો હતો. ખિસ્સામાં ફૂટી કોડી પણ ન હોઈ આમ છતાં આત્મ-વિશ્વાસથી ભરપર રહેતો. જેનું મુખ્ય કારણ એ હતું કે કાલ્પનિક વિચારોથી કરોડો માઈલ હું દૂર આવી ચૂક્યો હતો. જીવનને એકદમ નજીકથી જોતો તથા અનુભવતો. સાચું કહું તો મારા અનુભવોએ મને લખતા શીખવ્યું. ઘરથી બહારના જીવનમાં મને ખુબજ શાંતિનો અનુભવ થતો માટે હું હંમેશા ઘરથી બહાર જ રહેવાનો પ્રયત્ન કરતો. એકલો-એકલો રખડતો અને કઈંક શીખતો રહેતો, મારા રખડવાના સ્વભાવને લીધે મને ઘણા અનુભવો પ્રાપ્ત થયા અને તેમાથી ઘણું શીખવા મળેલું. તે સમયે મને ન્યુટનના સિદ્ધાંતની ખબર નહોતી પરંતુ અંદર અને બહાર એમ બંને પ્રકારના ફોર્શે મને ગતી પ્રદાન કરી.

સતત સંઘર્ષ અને પરિશ્રમ માણસને અનુભવની સાથેસાથે સફળતા પણ અપાવે છે. મારા કરતાં અનેક ગણો સંઘર્ષ અને પરિશ્રમ બીજા અનેક લોકોએ કર્યો હશે અને હાલમાં પણ કરી રહ્યા હશે. મહાપુરુષોના સંઘર્ષની સામે મારો સંઘર્ષ એક પાણીના બુંદ કરતા પણ નાનો કહેવાય, બુદ્ધ, કબીર, મહાવીર, પ્રેમચંદ વગેરે જેવા મહાપુરુષોને ધન્ય છે, કેજેઓના સંઘર્ષ થકી આ ભૂમિમાં સદાચારના સંસ્કારોનું સિંચન થતું રહ્યું. સંઘર્ષ અને પરિશ્રમ દરેક લોકો કરે છે, પરંતુ જે સંઘર્ષ અને પરિશ્રમથી મેળવેલ જ્ઞાન અને અનુભવોનો લાભ જો સામાન્ય માણસને ના મળે તો તે સંઘર્ષનો કોઈ અર્થ કે મહત્વ રહેતું નથી. સંઘર્ષથી મેળવેલ સફળતાના ફળો જો વ્યક્તિ પોતે જ ખાય તો તે વ્યક્તિ લોકોની વચ્ચે પોતાની ઓળખ ઊભી કરી શકતો નથી અને એક નાના વર્તુળ પૂરતો સીમિત રહે છે. લોકો તમારા સંઘર્ષને ત્યારે જ સલામ કરે છે જ્યારે તમે મહાન કાર્ય કરો, તમારી મહેનત જોઈને જ લોકોને તમારા સંઘર્ષ વિશે જાણવાની ઉત્સુકતા જાગે છે. સામાન્ય લોકોના સંઘર્ષ વિશે જાણવાનો કોઈને રસ હોતો નથી. પણ જો વ્યક્તિ કઈંક જુદા અને મહાન કાર્યો કરે તો જ લોકો તેમના વિશે વધારે જાણવાની કોશિશ કરે છે.

આર્ટીકલના વિષયમાં જો વાત કરીએ તો સોચ એટલે કે વિચાર બદલવાથી જ સાચી દિશામાં સંઘર્ષ કરવા માટે મોટીવેશન મળે છે. અન્યથા લોકો સંઘર્ષ તો કરે જ છે પરંતુ પરિણામ નથી મળતું અને છેવટે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. મારા જીવનમાં પણ કંઇક આવું જ છે. શાળાના અને સાથે મોટા થયેલા મિત્રોમાં મોટાભાગના મિત્રોની આર્થિક અને માનસિક હાલત કફોડી છે. ઘણા મિત્રો શાળાના સમયમાં જાહોજલાલીમાં હતા, તેઓ અત્યારે મહિને માંડ ૧૦ હજાર કમાય છે અને તેઓનું કહેવું છે કે તેઓ પોતાના પરિવાર ઉપર બોજો હોય તેવું તેમને લાગે છે. ઘણા મિત્રો બેકાર છે. જેઓ ભણવામાં હોંશિયાર હતા તે મિત્રો સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ અનેક પ્રયત્નો પછી પણ સફળ નહી થઈ શકતા છેવટે ખાનગી નોકરીમાં ૮/૧૦ હજારમાં ગુજરાન ચલાવી રહ્યા છે. દૂર દૂર સુધી નજર ફેરવતા કોઈ નથી દેખાતું કે કોઈ મોટો ધંધાદારી કે ઉચ્ચ હોદ્દા ઉપર હોય,અપવાદને બાદ કરતાં કે જેઓ ક્લાર્ક સુધી પહોંચ્યા છે. આ તમામ લોકોનું નિરીક્ષણ કરતા એ હકીકત સામે આવી કે તે લોકોની સોચ સામાન્ય જ રહી હતી.સમય સાથે તેઓ ક્યારેય પોતાના વિચારો બદલી શક્યા નહિ. કોઈપણ પ્રકારની સ્કીલ પણ તેઓ ડેવલપ ન કરી શક્યા અને પોતાની નિષ્ફળતાનો ટોપલો પોતાના નસીબ ઉપર જ ઢોળતા રહ્યા.સમયનો સદુપયોગ કરવાને બદલે માત્ર સમયનો વ્યય જ કરતા રહ્યા અને કેટલાક તો નશાના રવાડે પણ ચઢી ગયા. આવું લખવું શોભી નથી રહ્યું પણ કદાચ આ લેખ વાંચી કોઈના દિલ ઉપર ઠેસ પહોંચે અને તેઓના જીવનમાં પરિવર્તન આવે, તો આ લેખ લખવાની મારી મહેનત સફળ રહી તેમ હું માનીશ. હજુપણ કઈં ભાગી નથી ગયું, અડધું જીવન હજુ પણ બાકી છે. નિરાશા. નકારાત્મકતા, અને નશો છોડી પોતાનું તથા પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જ્વળ કરવાનો આ અતિ ઉત્તમ મોકો છે. જો આ મોકો આપ ચૂકી ગયા તો ભવિષ્યમાં ફરી બીજો મોકો મળશે કે કેમતે એક પ્રશ્ન છે. માટે નકલી કલ્પનાઓમાંથી બહાર આવી, દુનિયાની ચિંતા બાજુ પર મૂકી અને પોતાની જાત ઉપર પૂરો ભરોશો મૂકી તમારામાં જે શ્રેષ્ઠ છે તેને બહાર લાવી ફરી એકવાર શરૂઆત કરો. હિમ્મતહારવાથી તમે જ તમારા પતનનું કારણ બનશો. જેથી તમારા ટેલેન્ટને ઓળખી તેને દુનિયા સમક્ષ મૂકી અને કઈંક કરી બતાવો. પથ્થરો સામે માથા ટેકાવવાનું બંધ કરી તર્ક અને બુદ્ધિ સાથે આગળ વધો. સકારાત્મક વિચારોને વહેતા કરી ગોલ નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવા માટે રણનીતિ બનાવી એક્નમાં આવી જાવો, આપની જીત નક્કી છે.

મે જીવનમાં ઝાઝું કઈં પ્રાપ્ત નથી કર્યું પણ એક સોચ જ છે કે જેણે મારા જીવનનો રસ્તો બદલી દીધો અને તાલીમબદ્ધ હું મારા ધ્યેય તરફ આગળ વધી રહ્યો છું. નાના મોટા પડાવોને એક પછી એક હાંસલ કરી રહ્યો છું. મારી દિશા નક્કી છે બસ માત્ર ચાલવાનું છે. માટે પોતાની દિશા નક્કી કરો, આજ નહી તો કાલ ત્યાં જરૂર પહોંચશો તેવો માને વિશ્વાસ છે.

Hide quoted text

સોચ બદલશો તો જીવન ચોક્કસ બદલાઈ જશે.

નિર્ણય આપના હાથમાં છે.

રાકેશ પ્રિયદર્શી

Advertisements

આમ કરવાથી શું મળવાનું ?

આમ કરવાથી શું મળવાનું ?

આમ બ્લૉક કરવાથી શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો વોટ્સેપ કરીને કહે તું.

આમ મિસ્કોલ કરીને શું મળવાનું ?
કંઇ કહેવું હોય તો ફોન કરીને કહે તું.

આમ રસ્તો બદલીને શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો રસ્તો રોકીને કહે તું.

આમ ફેસબુક ઉપર લખીને શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો ફેસ ટુ ફેસ કહે તું.

આમ પુસ્તકમાં મુખ છૂપાવીને શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો પત્ર લખીને કહે તું.

આમ બીજાઓને કહેવાથી શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો મોઢે-મોઢ કહે તું.

આમ નજર ફેરવવાથી શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો નજર મિલાવીને કહે તું.

આમ મનમા ને મનમાં રાખીને શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો મનની વાત કહે તું.

આમ છૂપાઈને ત્રાંસી આંખે શું જોવાનું ?
કંઇ તકલીફ હોય તો આંખોથી કહે તું.

આમ દૂરથી જોયા કરવાથી શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો પાસે આવીને કહે તું.

આમ સરખામણી કરવાથી શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો સરખી રીતે કહે તું.

આમ ઈગનોર કરવાથી શું મળવાનું ?
કંઇ તકલીફ હોય તો પરપસ્લી કહે તું.

આમ નકલી હાસ્ય આપીને શું મળવાનું ?
જો સાચો મિત્ર હોય તો હ્રદયથી હસ તું.

આમ કરવાથી શું મળવાનું ?

હું ચહેરાના ભાવ અને આંખોની ભાષા શીખી રહ્યો છું,
તું કહે કે ના કહે, પણ તારી હરકતો બધું કહી દે છે.
પણ એ બધું જાણીને મારે શું કરવાનું ?

હું તો છું, મનમોજી અને મસ્ત.
આતો મિત્ર છું માટે પૂછ્યું.
આમ કરવાથી શું મળવાનું ?

– રાકેશ પ્રિયદર્શી

સબંધમાં સમસ્યારૂપ અદેખાઈ અને ઈર્ષા

મનુષ્યએ સામાજિક પ્રાણી છે. સમાજની વચ્ચે સમૂહમાં રહેવું તે પરંપરા સદીઓથી ચાલતી આવી છે. ભાઈઓ, મિત્રો,આડોશી-પાડોશી, કુટુંબીજનો તથા સગાઓની સાથે સતત સંપર્કમાં રહેવું તે મનુષ્યનો સ્વભાવ બની ગયો છે. સંપર્કમાં ના રહેવા માંગતો વ્યક્તિ પણ જાણે-અજાણે લોકો સાથે સંપર્કમાં આવી જતો હોય છે. સમાજના સાથ અને સહકાર વિના એકલો માણસ ક્યાં સુધી રહી શકે ?તે અશક્ય છે. સમાજમાં દરેક પ્રકારના લોકો સાથે આપણો વ્યવહાર તથા સંપર્કથતો હોય છે. દરેક લોકોનો સ્વભાવ જુદો-જુદો હોય છે. દરેકની વિચારવાની પદ્ધતિ તથા જીવન જીવવાની રીત પણ અલગ-અલગ પ્રકારની હોય છે. કોઈ ભણેલા છે,તો કોઇ અભણ.

વ્યક્તિ કોઈપણ ધર્મ, સંપ્રદાય કે પ્રાંતમાંથી આવતી હોય પરંતુ આખરે તે મનુષ્ય છે અને માટે અમુક દુર્ગુણો તેમાં હોય શકે છે,જે સ્વાભાવિક છે. જેવાકે લોભ, નિંદા,ઈર્ષા, અદેખાઈ, દેખા-દેખી, ગુસ્સો વગેરે. આ પ્રકારના દુર્ગુણો વ્યક્તિનો સ્વભાવ તથા વ્યક્તિત્વ નક્કી કરે છે. દા.ત. કોઈ માણસ વધારે કંજૂસ હોય તો લોકોની વચ્ચે તેની ઓળખ એક કંજૂસ વ્યક્તિ તરીકેની ઊભી થાય છે. જો કોઈ વ્યક્તિ દરેકની સામે બીજા કોઈપણ લોકોની નિંદા જ કરતો રહે તો તે પ્રમાણે તેની ઓળખ બીજા લોકોમાં સ્થાપિત થાય છે.

આપને સૌ જાણીએ છીએ કે કોઈની ચાગલી-ચૂલી ના કરવી જોઈએ, કોઈનાથી અદેખાઈ ના કરવી જોઈએ, કોઈની ઈર્ષા ના કરવી જોઈએ, વધારે લાલચી ના બનવું જોઈએ ? કોઈની નિંદા ના કરવી જોઈએ. કોઈની સાથે ઝઘડો ના કરવો જોઈએ. આમછતાં મોટાભાગના લોકો આ જાણતા હોવા છતાં પણ ક્યારેક ને ક્યારેક કોઈ દુર્ગુણનો શિકાર થઈ જતાં હોય છે. થોડું વિસ્તારથી ઉદાહરણ સાથે સમજીએ.

ગામડાઓમાં થોડા વર્ષોથી એક પ્રથા ચાલુ થઈ છે. શહેરોમાં આનું પ્રમાણ ઘણું ઓછું છે. જો કોઈ વ્યક્તિએ કાર ખરીદી છે, તો તે જોઈને આજુબાજુમાં રહેતા લોકોને ઈર્ષ્યા થશે અને જ્યાં સુધી તેઓ કાર નહી ખરીદે ત્યાં સુધી ઇર્ષાની આગમાં સળગ્યા કરશે. કાર ખરીદવા તે લાયક છે કે કેમ ?કાર તેના કોઈ ઉપયોગમાં છે કે કેમ ?આવો કોઈપણ વિચાર કર્યા વગર બસ પોતાનો અહમ સંતોષવા અને બાજુવાળાને બતાવવા કે હું તારાથી કમ નથી, દેખા-દેખીના કારણે લોકો કાર ખરીદતા હોય છે.

ગામડાઓમાં ઓટલા પ્રથા છે. મહિલાઓ કામ-કાજ પૂરું કરે અને ફ્રી થાય એટલે કોઈના ઓટલા ઉપર જઈને બેસી જાય. અહીં આજુ-બાજુની બધી સ્ત્રીઓ ભેગી થાય અને જે સ્ત્રી હાજર ના હોય તેની જ ચર્ચા કરે. જે તે સ્ત્રીના સારા પાસાઓની ચર્ચા નહીં પણ તેના નબળા પાસાઓની ચર્ચા. શુદ્ધ ભાષામાં કહું તો ગોસીપ. પુરુષો ગામ કે મહોલ્લાના નાકે અથવા પાનના ગલ્લે ભેગા થાય. પુરુષોમાં અને સ્ત્રીઓમાં ઈર્ષા અને દેખાઈના પ્રકાર થોડા જુદા છે. શહેરમાં શિક્ષણના કારણે આ પ્રકારની દેખાઈ ઓછી જોવા મળે છે, પરંતુ અહીં દેખાઈનો પ્રકાર માત્ર બદલાય છે. ટેલીવિઝન સમાજનું દર્પણ છે. તેમાં પણ સમાજમાં ન્યૂસન્સ ફેલાવતી સિરિયલો દુર્ગુણોને જન્મ આપે છે. સ્ત્રીઓ વધુ પડતી ટીવી જોતી હોય છે. જેથી તેમાં બતાવેલા નાટકોના અખતરા પોતાના ઘરમાં કરે છે અને ધીરે-ધીરે શરૂ થાય છે નાના-મોટા ઝગડા જે સમય જતાં મોટું સ્વરૂપ ધારણ કરે છે અને તેના ગંભીર પરિણામો સમાજે તથા જે તે ઘરના લોકોએ ભોગવવા પડતાં હોય છે.

ઈર્ષા મનુષ્યની દુશ્મન છે, તે જાણે-અજાણે દરેક લોકોમાં થોડા-ઘણા પ્રમાણમાં હોય છે. કોઈ પોતાના કરતા વધારે પૈસા કમાતા હોય તો ઈર્ષા, કોઈને સારી નોકરી કે ધંધો હોય તે ઈર્ષા, કોઈ પોતાનાથી વધારે સફળ હોય તો ઈર્ષા. સ્ત્રીઓમાં ઓળખીતી કોઈ સ્ત્રી જો પોતાનાથી વધારે સુંદર હોય તો ઈર્ષા. અહીં એક બાબત સામાન્ય છે, કે ઈર્ષા લોકોને પોતાના તથા ઓળખીતા લોકોથીજ થાય છે, પારકા તથા ઓળખીતા ના હોય તેવા લોકોથી કોઈને ઈર્ષા થતી નથી. ઈર્ષા રાખે તો દરેક લોકોછે, પણ બતાવતું કોઈ નથી. એકજ થાળીમાં રોજ સાથે ખાતા લોકો પણ એકબીજાથી કોઈની કોઈ બાબતમાં ઈર્ષા રાખતા હોય છે. વાલીઓમાં એક બીજાના સંતાનો બાબતની ઈર્ષા હોય છે અથવા સંતાન ના હોવાની ઈર્ષા પણ હોઈ. સાથે રહેતા લોકોમાં ઈર્ષા ધીરે-ધીરે સ્વભાવમાં નકારાત્મક પરિવર્તન લાવે છે, અને છેવટે સબંધોનો અંત આવે છે. એક જ સોસાયટીમાં રહેતા લોકોમાં જો કોઈ એક વ્યક્તિ વધારે નામના ધરાવે છે, લોકો તેને વધારે માન-સન્માન આપે છે, તે બાકીના લોકો કરતાં વધારે સફળ છે તો આવા કિસ્સાઓમાં બાકીના લોકોને તેનાથી ઈર્ષા થતી હોય છે, તે આપણે સૌએ અનુભવ્યું હશે. અનુભવી તથા વિદ્વાન લોકો વ્યક્તિની આંખો તથા ચહેરાના હાવભાવ ઉપરથી અંદાજો લગાવી લેતા હોય છે. જો તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો,અને તમે એકબીજાને ઓળખો છો પરંતુ સામેવાળી વ્યક્તિ તમારી સાથે કોઈપણ પ્રકારની ઈર્ષા રાખે છે. તો તે વ્યક્તિની આંખો વધારે સ્થિર નહી રહી શકે,આમતેમ ફરતી રહેશે. તે વ્યક્તિ આઇ કોંટેક્ટ મેઈન્ટેન નહી કરી શકે. તેના હાવ-ભાવમાં તફાવત જોવા મળશે. ઈર્ષાળુ વ્યક્તિને અનેક પ્રકારે ઓળખી શકાય છે. ઘણીવાર ઈર્ષા ટૂંકાગાળાની હોય છે,માત્ર જે તે ફિલ્ડ પૂરતી. જેવી રીતે સંગીતની દુનિયામાં કલાકારો વચ્ચે અંદર-અંદર સ્પર્ધા થતી હોય છે જે ઈર્ષાને જન્મ આપે છે. આ પ્રકારની ઈર્ષા શોર્ટ ટાઈમ માટેની હોય છે, ઘણીવાર ઈર્ષા સ્ટેજ કે કાર્યક્રમ પૂરતી પણ હોય છે.

ઈર્ષાનું ધંધાકીય પાસું જોઈએ તો, ધંધામાં દરેક જગ્યાએ સ્પર્ધા જોવા મળે છે. સ્માર્ટ લોકો પ્રતિ-સ્પર્ધીની સાથે હાથ મિલાવી સાથે મળીને ધંધો કરતાં હોય છે, અને સારી ઇન્કમ મેળવતા હોય છે. નાની કંપનીઓ સારો નફો ના મળતો હોવાથી મોટી કંપનીઓ સાથે મર્જ થઈ વધારે નફો મેળવતી હોય છે. આવા કિસ્સાઓમાં ઈર્ષા કે સ્પર્ધાનો અંત આવે છે. જ્યારે માણસ-માણસ વચ્ચે ચચ્ચે રહેલી સ્પર્ધાનો અંત ખૂબ ઓછો આવે છે. તેવા કિસ્સાઓ ખૂબ ઓછા જોવા મળતા હોય છે.

મહત્વકાંક્ષી વ્યક્તિમાં ઈર્ષા વધારે જોવા મળે છે. કોઈ તેમનાથી વધારે સફળ થાય તે તેમનાથી સહન થતું નથી. ટૂંકમાં એમ કહી શકીએ કે આ પ્રકારના લોકો એમ તો ઈચ્છે છે કે વ્યક્તિ સફળ થાય, પણ તેમનાથી વધારે નહીં.

મનુષ્ય શા માટે ઈર્ષા કરે છે ?

તે સારી રીતે જાણે છે કે ઈર્ષા માનસિક સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

ઈર્ષાથી કોઈ ફાયદો થવાનો નથી,ઉપરથી નુકશાન જ છે.

ઈર્ષા વ્યક્તિને બેચેન બનાવે છે.

ઈર્ષા કરવાથી સંતોષ છીનવાઈ જાય છે.

ઈર્ષા અનેક પ્રકારના દુઃખનું કારણ છે.

ઈર્ષા કોઈને સુખી કરી શકતી નથી.

ઈર્ષા પોતાની પ્રગતિ તથા સફળતામાં બાધારૂપ બને છે.

કોઈની ઉપર ઈર્ષા કરવાથી પોતાના સમય અને શક્તિનો વ્યય થાય છે.

સધમ્મના વાંચન તથા અનુશરણથી,પસંદગીના વિષયો બદલવાથી,આધ્યાત્મના સમાગમથી ચોક્કસ ઈર્ષા-અદેખાઈ કે દેખાદેખીથી બચી શકાય છે,અને જીવન સુખ, શાંતિ તથા સંતોષથી જીવી શકાય છે.

રાકેશ પ્રિયદર્શી

સંઘર્ષ જ માણસને મહાન બનાવે છે.

જીવનનું બીજું નામ સંઘર્ષ. જન્મ છે તો મૃત્યુ નિશ્ચિત છે, તેવીજ રીતે જીવન છે તો સંઘર્ષ પણ નિશ્ચિત જ છે. સંઘર્ષ વગરનું જીવન નીરસ છે. તૈયાર ભોજન ખાનારા લોકો પાપડ પણ નથી તોડી શકતા, જ્યારે સંઘર્ષ કરીને જીવન જીવનારા લોકોને પહાડ તોડવો પણ નાનીસૂની વાત લાગે છે. કોઈપણ મહાન વ્યક્તિના જીવનમાં ઝાંખીને જોઈશું તો સખત અને સતત સંઘર્ષ છુપાયેલો હશે. સફળતા અને સંઘર્ષ બંને એક સિક્કાની બે બાજુ છે. સંઘર્ષ તો દરેક વ્યક્તિ કરે છે, પરંતુ મહાન તે જ બને છે જે સતત અને અવિરત સંઘર્ષને ચાલુ રાખે.

સંઘર્ષને સામાન્ય ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે “કઈંક મેળવવા માટે અગ્રેસિવ બની પ્રયત્નશીલ રહેવું” જ્યારે પોતાનો ધ્યેય ઊંચો અને મહાન હોય પરંતુ તેને પ્રાપ્ત કરવા સંસાધનો મર્યાદિત હોય ત્યારે સંઘર્ષ તેની ચરમસીમા પર હોય છે. પરંતુ ધ્યેય સિદ્ધ કર્યા બાદ મળેલ સફળતાનો આનંદ અનેરો હોય છે અને તે આનંદની કલ્પાઓ સંઘર્ષને પ્રોત્સાહન તથા શક્તિ પૂરી પાડે છે. સંઘર્ષનું કોઈ માપ-દંડ કે માત્રા નથી. તે વ્યક્તિના સપનાઓ ઉપર નિર્ધારિત છે. બર્નિંગ ડીઝાયર વાળી વ્યક્તિ જે સપના જોવે છે તેને સતત સંઘર્ષ તથા પરિશ્રમ કરી પૂરા કરે છે.

પરિશ્રમ તો સૌ કોઈ કરે છે પરંતુ સંઘર્ષની સાથે પરિશ્રમ કરી સફળતા મેળવે તેની મઝા અલગ હોય છે. ચાલો એક એવા વ્યક્તિ વિષે થોડું જાણીએ જેને પરિશ્રમ તો કર્યો જ છે પરંતુ સતત સંઘર્ષ કરીને. આવા ઉદ્ધમી માણસોને લોકો ગાંડા ગણે છે. પરંતુ આવા ગાંડા જ એક દિવસ મહાન માણસ બને છે અને દુનિયા જોતી રહી જાય છે. દશરથ માંઝી ઉપર અનેક લેખકોએ ઘણું લખ્યું છે અને અનેક વકતાઓ તેમના કાર્યક્રમમાં તેમનો ઉલ્લેખ કરે છે. ઇન્ટરનેટ ઉપર દશરથ માંઝી ઉપર અનેક વિડીયો છે, તથા ફિલ્મ પણ ઉપલબ્ધ છે. આમ છતાં હું આ મહાન હસ્તી વિષે લખવામાં પોતાના મનને રોકી ના શક્યો. નાની અને ટૂંકમાં માહિતી આપની વચ્ચે મૂકી રહ્યો છુ, જે ચોક્કસ સંઘર્ષ કરવા તમને પ્રેરણા પૂરી પાડશે.

બિહારનું ગહલોર ગામ જ્યાં એક ગરીબ અને મજૂરી કરતાં પરિવારમાં દશરથ માઝીનો જન્મ થયો હતો. અત્યાર સુધી તો દશરથ માંઝીને લોકો એક મજૂરી કરતાં માણસ તરીકેજ ઓળખતા હતા. પરંતુ એક ‘મજૂરીમેન’ માથી ‘માઉન્ટેનમેન’ કેવી રીતે બની ગયા તેનો તમામ શ્રેય તેમની પત્નીને જાય છે. આ ઉપરથી ફરી એકવાર સાબિત થાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.

વાત 1959 ની છે જ્યારે દશરથ માંઝી તેમની પત્ની ફાલ્ગુની દેવીને સમય ઉપર દવાખાને ના પહોંચાડી શક્યા અને તેમની પત્નીનું મૃત્યુ થયું. તેમના ગામ અને હોસ્પિટલની વચ્ચે પર્વતો હોવાથી 15 કિલોમીટરનો રસ્તો 55 કિલોમીટર જેટલો લાંબો થઈ જાય છે અને લોકો મુખ્ય માર્ગ ઉપર ફરીને શહેરમાં જઇ શકતા. આ પહાડ જ દશરથ મંઝિને નડેલો અને તેઓ તેમની પત્નીને ખોઈ બેઠા. પરંતુ તેઓએ હિમ્મત ના હારી અને 1960 માં નિર્ણય કર્યો તે પહાડને તોડવાનો. પહાડને તોડવાનો અર્થ હતો કુદરતની સામે પડવાનો. લોકોએ દશરથના નિર્ણયને હસી અને મજાકમાં ગણ્યો. જ્યારે દશરથે એકલા હાથે પહાડને તોડવાની શરૂઆત કરી ત્યારે લોકોએ તેને ગાંડો કહેવાનું શરૂ કર્યું. પરંતુ અડગ મનના માણસના નિર્ણયને કોઈ બદલી શકતું નથી. તેઓ તેમની પત્નીને ખોઈ બેઠા હતા અને માટે લોકોને એમ સમજતા હતા કે પત્નીના વિરહમાં દશરથ માંઝી માનસિક સંતુલન ખોઈ બેઠા છે. પરંતુ સમજદાર લોકો દશરથના દ્રઢ નિર્ણયને પારખી ગયા હતા અને દશરથને સહકાર આપવા લાગ્યા. 1960 ની સાલમા દશરથે પર્વતને તોડવાની શરૂઆત કરી હતી. ધીરે-ધીરે એકધારું કાચબા ગતિએ દશરથે પહાડને ચિરવાનું ચાલુ રાખ્યું. સલામ છે તેમની હિમ્મતને તેઓએ કોઈપણની મદદ લીધા વગર 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચો પહાડ તોડી રસ્તો બનાવ્યો. ના કોઈ આધુનિક સાધન-સામગ્રી કે ના સરકારની મદદ. માત્ર દશરથ માંઝી એકલા અને તેમની સાથે તેમના હથોડો અને ટાકણી તેનાથી તેઓ તેઓ એક-એક ઘા મારી પહાડની છાતી રોજ ચીરતાં હતા. જ્યારે માંઝી પોતાની અડધી મંઝીલ તરફ પહોંચ્યા ત્યારે લોકોનો તેમના ઉપર વિશ્વાસ વધવા લાગ્યો અને બાદમાં લોકોનો સહકાર પ્રાપ્ત થયો. કોઈ તેમના માટે ચા લાવતું તો કોઈ જમવાનું. સરકારે પણ આ વાતની નોંઘ લીધી. 1960 માં પહાડને કાપવાની શરૂઆત કરી હતી અને 1982 ના વર્ષમાં માત્ર 22 વર્ષમાં દશરથ માંઝીએ પહાડ તોડીને રસ્તો બનાવી દીધો. લોકોએ તેમને પહાડીમેન (માઉન્ટેનમેન) નામની ઉપલબ્ધિ આપી. અને બાદમાં સરકારે દશરથ માંઝીને પધ્મ શ્રી આપવાની ઘોષણા કરી. દશરથ માંઝી ઉપર આખું પુસ્તક લખીએ તો પણ ઓછું પડે. એક વાત ચોક્કસ છે, દશરથ માંઝીએ કોઈપણના શબ્દોની ચિંતા કર્યા સિવાય માત્ર પોતાના ધ્યેય ઉપર જ ધ્યાન આપ્યું, લોકો તેમની મજાક કરતાં,ઉપહાસ કરતાં, તેમને ગાંડો પણ ગણતાં. આ બધી ઉપમાઓ તેમને વિચલિત કરવાને બદલે ઉલ્ટાનું તેમને બળ પ્રદાન કરતી હતી. ખરેખર દશરથ માંઝી “ભારત રત્ન”ના હકદાર છે.

કેટલું અદભૂત સાહસ ! જ્યારે મનુષ્ય એક વાર કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનું વિચારીલે અને સતત પરિશ્રમ કરવાની શરૂઆત કરે ત્યારે કુદરત પણ તેનો સાથ આપે છે. કોઈપણ પ્રકારની અડચણ તેને નથી રોકી શકતી. સંઘર્ષ તેનો સ્વભાવ બની જાય છે. દરેક લોકોએ આ મહાન અને સાહસી વ્યક્તિ દશરથ માંઝી પાસેથી શીખવું જોઈએ. લોકો શું વિચારશે ? લોકો શું સમજશે ? લોકો શું બોલશે ? આ બધી લઘુતાગ્રંથિ બાજુ પર મૂકી પોતાના ધ્યેય પ્રત્યે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

– રાકેશ પ્રિયદર્શી

ગુસ્સો કેમ આવે છે ?

ગુસ્સો” શબ્દ સાંભળતાજ આપણાંમનમાં ગુસ્સાથી લાલ-પીળી વ્યક્તિનું આભાસ ચિત્ર બની જાય છે. અથવા આપણે ક્યારેક જો કોઈની ઉપર ગુસ્સો કર્યો હોય તો તે ઘટના આપણને યાદ આવી જાય છે. આ સિવાય પણ લડતા-ઝઘડતા લોકોના ચહેરાની કલ્પના આપણેકરીએ છીએ. ગુસ્સાએ કેટલાય લોકોને જેલ ભેગા કર્યા છે, તો કેટલાય લોકોના ઘર ભાંગ્યા છે અને છૂટા-છેડા પણ કરાવ્યા છે. આ ગુસ્સાથી સાવધાન.

ગુસ્સો સારો કે ખરાબ તે તો આ આર્ટીકલ પૂરો વાંચ્યા બાદ સમજાશે. મે ઘણા લોકોને પોતાના ગુસ્સાવાળા સ્વભાવને કારણે ગર્વ અનુભવતા જોયા છે. તો અમુક લોકો એવું પણ વિચારતા હોય છે કે ગુસ્સો કરવાથી લોકો આપણાથી રે છે અને જે તે જગ્યાએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત થાય છે. ખેર, વીતો ઘણી વાતો છે પરંતુ આપણેસીધા મુદ્દાની વાત કરીએ.

થોડું વિગતવાર સમજીએ, મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે. મનુષ્ય પોતાની લાગણીઓને શબ્દો અથવા હાવ-ભાવ દ્વારા વ્યસ્ત કરી શકે છે. જેમ દુઃખના પ્રસંગમાં આંખમાંથી આંસુ આવે છે. દુખી થવું અથવા રડવું તે એક લાગણી છે, જે આપણે વ્યક્ત કરીએ છીએ. તેવી જ રીતે ગુસ્સો પણ એક લાગણી જ છે, તેને બહાર લાવવી જોઈએ, તેને દબાવી ના રાખવી જોઈએ. પરંતુ ગુસ્સામાં કોઈની સાથે મારા-મારી કે તોડ-ફોડ કરવી નાજોઈએ. જેમાં બીજાનું તો નુકશાન છે ,પરંતુ પોતાનું પણ નુકશાન રહેલું છે.

વિપશ્યના ના જનક તથાગત બુદ્ધે ખુબજ સુંદર વાત કરી છે, ગુસ્સો એ સળગતા કોલસા જેવો છે, તેને બીજા ઉપર ફેંકવા જતા પહેલા તે પોતાના હાથ દઝાડે છે બાદમાં બીજાના”.

બુદ્ધના જીવનમાં બનેલ એક ઘટનાથી ગુસ્સાને કાબૂમાં કેવી રીતે રાખવો તે સમજીએ. એક વખત બુદ્ધ પોતાના શિષ્યો સાથે નગરમાં ભિક્ષાટન માટે વિહાર કરી રહ્યા હતા. પહેલા દિવસે ગામ લોકોએ તેમના સ્વાગત માટે રસ્તામાં પુષ્પ બિછાવ્યા અને તેમને ભિક્ષાટનમાં સારી રીતે ભોજન પીરસ્યું. સાથે-સાથે તેમને ભેટ અને મીઠાઈ પણ આપવાનો આગ્રહ કર્યો. પરંતુ બુદ્ધે પોતાના ભિક્ષુ સંઘના નિયમ પ્રમાણે તેનો સ્વીકાર ના કર્યો. બીજા દિવસે તેઓ બીજા નગરમાં ગયા. પરંતુ અહીં તેમનો ઉપહાસ થયો અને નગરજનો એ તેમને ભિક્ષા તો ના આપી, ઉપરથીઅપશબ્દો કહ્યા. આ સાંભળી ભિક્ષુ સંઘના અમુક ભિક્ષુઓ વિચલિત થઈ ગયા અને બુદ્ધને કહેવા લાગ્યા કે બુદ્ધ નગરજનો આપને અપશબ્દો કહી રહ્યા છે અને આપણા વિશે ભલું-બૂરું બોલી રહ્યા છે. આમછતાં આપ ચૂપ છો, બુદ્ધ આપ કઈં બોલતા કેમ નથી ? આપ આ લોકોને જવાબ કેમ નથી આપતા ? આપ આવી પરિસ્થિતિમાં શાંત કેવી રીતે રહી શકો ? તમને ગુસ્સો નથી આવતો બુદ્ધ ?બુદ્ધે ભિક્ષુગણને શાંત ચિત્તે સમજાવતા કહ્યું કે, આપ જાણતા હશો ગઈ કાલે જે નગરમાં આપણે ભિક્ષાટન માટે ગયા હતા ત્યાં લોકોએ આપણું સ્વાગત પુષ્પ દ્વારા કર્યું હતું. સારી રીતે ભોજનદાન આપી અંતમાં આપણને સૌને વિદાય આપતી વખતે ભેટ સ્વરૂપે મીઠાઈ પણ આપી રહ્યાં હતાં. આપણે તે મીઠાઈનો સ્વીકાર નહોતો કર્યો ! તો હે ભિક્ષુગ આપ કહો તે મીઠાઈ ક્યાં રહી ગઈ ? ભિક્ષુઓએ કહ્યું તથાગત તે મીઠાઈ તો ગ્રામજનો પાસેજ રહી ગઈ. બુદ્ધે કહ્યું તો અહીં પણ હું આ લોકોના અપશબ્દોનો સ્વીકાર નથી કરી રહ્યો, તો આપ કહો આ અપશબ્દો કોની પાસે રહી જશે ? ભિક્ષુઓ એ કહ્યું અહીં જ, આ લોકો પાસેજ.

બુદ્ધે ઉપદેશ આપતા કહ્યું કે મનુષ્યે જીવનમાં કોઇપણ પરિસ્થિતિમાં વિચલિત ના થવું જોઈએ. પછી તે વખાણ હોય કે અપશબ્દો. મનુષ્યનું મન દરેક અવસ્થામાં સ્થિર રહેવું જોઈએ. જો તમે અપશબ્દો કે ઉપહાસનો સ્વીકાર કરશો તો સામે ચાલીને વર્ગ-વિગ્રહને આમંત્રણ આપ્યું કહેવાશે. ડૉ.કરુનાશિલ રાહુલજીએ ગુસ્સાને દૂધની તપેલી અને અગ્નિ સાથે સુંદર રીતે સમજાવ્યું છે, કે જ્યારે દૂધને ગરમ કરીએ અને ઊભરો આવે તો સમજો તપેલી અને દૂધ બરાબર રીતે તપી ગયા છે. હવે દૂધને અગ્નિથી દૂર કરવામાં નહિ આવે તો દૂધ ઊભરાવાની શક્યતાઓ રહેલી છે. આ સમયે કાંતો દૂધને અગ્નિથી દૂર કરવું હિતાવહ છે અથવા અગ્નિને દુઘથી. તેવીજ રીતે ગુસ્સામાં પણ બંને વ્યક્તિઓ જ્યારે પોતાના ગુસ્સાની ચરમ સીમાએ હોય ત્યારે કોઈપણ એક વ્યક્તિએ જગ્યા છોડી દેવી જોઈએ, અન્યથા ગુસ્સો ઘાતક નીવડી શકે છે.

આપને સૌ સમાચાર પત્રો કે ન્યુના માધ્યમથી ઘણી વાર જોયું કે સાંભળ્યું હશે, કે નાની-નાની વાતમાં લોકો મારા-મારી સુધી અને ખુંન-ખરાબા સુધી પહોંચી જાય હોય છે. છેવટે કાયદાની ચુંગાલમાં સફાઈ જાય અને અને ઘણી વાર જેલમાં જવાનો પણ વારો આવે છે. ગુસ્સામાં આવીને કોઈને માર માર્યો હોય અને તે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવા સંજોગોમાં મોટી સજા ભોગવવી પડે છે. તાજેતરમાં રાજસ્થાનમાં એક ઘટના બની હતી. દૂધવાળાભાઈ અને રિક્ષાવાળા ભાઈ સામાન્ય ટક્કરમાં એકબીજા સાથે અથડાયા. કોઈને નુકશાન ના થયું હોવા છતાં બંને લોકોએ સાઈ ના આપવાના બહાને ઝગડો કર્યો અને દૂધવાળા ભાઈએ ગુસ્સામાં રસ્તા ઉપર પડેલી ઈંટ સામેવાળા વ્યક્તિને માથામાં મારતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું. આ ઘટના એક દુકાનના CCTV કેમેરાના કેદ થઈ ગઈ અને બાદમાં ન્યુ ચેનલમાંપ્રકાશિત થઈ. ગુસ્સામાં નાની ભૂલના મોટા પરિણામો સહન કરવા પડતા હોય છે, અને પોતાનો નિર્દોષ પરિવાર પણ તેનો ભોગ બનતો હોય છે.

ગુસ્સાના મૂળમાં જઈએ અને જાણીએ તો ખબર પડશે કે ગુસ્સો કન્ટ્રોલમાં કરી શકાય છે, પરંતુ પોતાના અહમને પોષવા લોકો ગુસ્સો અભિવ્યક્ત કરે છે. ગુસ્સામાં લોકો મનમાં સામેવાળી વ્યક્તિને અપશબ્દોબોલે છે, ના સહેવાય તો તે ગાળો શબ્દો થકી બહાર પણ આવે છે. આપણે સૌએ ક્યારેક ને ક્યારેક ગુસ્સામાં ચોક્કસ કોઈને અપશબ્દો બોલ્યા હશે. અથવા ગુસ્સામાં કોઇની સાથે માર-મારી પણ કરી હશે. શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તેવા લોકોમાં આ વધારે જોવા મળે છે. આપણે જોઈએ છીયે કે જાહેરમાં લોકો ઝઘડા કરે છે અને મોટે-મોટેથી અપશબ્દો પણ બોલતા હોય છે.

ગુસ્સો આવે છે કે આપણે જાણી જોઈને ગુસ્સો કરીએ છીએ ?

ઉદાહરણ તરીકે જો ઘરમાં પપ્પા કે મમ્મી ગમે તેટલી મોટી ઉંમરના સંતાનને ઠપકો આપે અથવા સજા કરે તો તે સંતાન ગુસ્સો હોવા છતાં પોતાના મા-બાપ સાથે મારા-મારી નથી કરતો. ગમે તેવી ગુસ્સાવાળીવ્યક્તિ હોય પણ જો કોઈ માથાભારે વ્યક્તિ સાથે માથાકૂટ થાય તો પોતાનો ગુસ્સો કાબૂમાં કરીલે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. કામના સ્થળે જ્યારે ઉપરી અધિકારી ગુસ્સે થઈ કઈંક બોલે તો કર્મચારી સામે તે અધિકારી ઉપર ગુસ્સો નથી કરી શકતા, કેમ કે અહીં નોકરી ખોવાનો ભય રહેલો છે. માટે કોઈપણ પ્રકારના ભય કે લાલચથી લોકો પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતા હોય છે. મારા એક મિત્રના જીવનથી થોડું વધારે સમજીએ. એ મિત્ર અને તેના પત્નીસ્વભાવે થોડા ગુસ્સાવાળા છે. ઘરમાં પિતા સાથે વારંવાર અણબનાવ બને છે. શરૂઆતમાં બોલાચાલી દરમ્યાન આ બંને પતિ-પત્ની પિતાની સામે ગુસ્સો કરતાં હતાં. પરંતુ જેમ-જેમ પિતા નોકરીમાંથીરીટાયર્ડ થવાની નજીક હતા, આ બંને પતિ-પત્નીએ ગુસ્સો ઓછો અને બાદમાં એકદમ બંધ કરી દીધો. કેમકે તેઓ જાણતા હતા કે હવે ગુસ્સો કરવો મતલબ પોતાનું નુકશાન કેમ કે પિતાશ્રી સંતાનોનેપોતાની જમાપૂંજી અને મિલકતમાંથી ભાગ આપવાના હતા.

આમછતાં આજકાલ લોકોમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. વાત-વાતમાં ગુસ્સો કરવો તે સ્વભાવ બની ગયો છે. ગુસ્સાની સાથે-સાથે લોકો સ્ટ્રેસનો પણ ભોગ બની રહ્યા છે. અહીં હસતા ચહેરા ખૂબ ઓછા જોવા મળે છે. દરેક જગ્યાએ લોકો ચિંતિત અને ગુસ્સાવાળા હાવ-ભાવવાળા જોવા મળે છે. ક્યારેક એવું પણ બને છે કે કોઈક નો ગુસ્સો કોઈના ઉપર નીકળ્યો હોય. ઓફિસમાં કામના ભારણથી અને બોસના ઠપકાથી કંટાળેલો પતિ ઘરે આવીને પત્ની ઉપર અથવા બાળકો ઉપર ગુસ્સો કાઢે છે.

મારા અનુભવો શેર કરું તો હું હમણાં બે-ત્રણ વર્ષ પહેલાં સુધી ગુસ્સો કરતા હતો. જો કોઈ ખોટી રીતે વાહનની સાઈ કાપીને જાય તો જ્યાં સુધી હું તેની સાઇડ ના કાપુ ત્યાં સુધી મને સંતોષ ના થાય. રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો ઉપર પણખૂબ ગુસ્સો કરતો. કોઈ આડુ-અવડું કે ભયજનક વાહન ચલાવે તો પણ હું ગુસ્સો કરતો. પરંતુ થોડા અભ્યાસ, વાંચન અને અનુભવ બાદ વિચાર્યું કે આવા કરોડો લોકો છે આ દેશમાં, હું કેટલાકને સુઘારીશ? અને ક્યાં સુધી ગુસ્સો કરીશ ? અને પોતેજ પોતાનો સ્વભાવ બદલવાનો મે નિર્ણય કર્યો અને વિચાર્યું કે મારે એવું વિચારવાનું કે સામે વાહન નહી પણ કાદવ-કીચડવાળી ભેંસ આવી રહી છે અને મારે તેનાથી દુર રહેવાનું છે. સાથે-સાથે મનોમન નક્કી કર્યું કે કોઈપણ પરિસ્થિતિમાં મન અને મગજ બંને શાંત રાખવાના. ગુસ્સો સંપૂર્ણપણે ઓછો કરવો તે અભ્યાસ નો વિષય છે. જેવી રીતે ધ્યાનમાં બેસતી વખતે શરૂઆતમાં ધ્યાન લાગતું નથી, મન એકાગ્ર નથી થતું અને વિચારોમાં ખોવાયેલું રહે છે. તેમ ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરતા થોડો સમય લાગે છે, પરંતુ સતત પ્રયત્ન અને પ્રેક્ટિસ ચાલુ રાખવાથીગુસ્સા ઉપર નિયંત્રણ રાખી શકાય છે.

એકવાર ગુસ્સાને કાબૂમાં રાખવામાં સફળતા મેળવી લીધા બાદ પોતે તો તેના ફાયદા થાય જ છે, પણ પોતાની આસપાસના લોકોને તથા પરિવારજનોને પણ તેના ફાયદા થાય છે. પેઢી દર પેઢી વારસામાં મળતા ગુસ્સા ઉપર બ્રેક લાગે છે, અને આવનાર પેઢીને પણ તેનો મોટો લાભ થાય છે. જીવન સુખમય અને ચિંતમુક્ત બની જાય છે. ગુસ્સો તમારા વ્યક્તિત્વને ઝંખું પાડી શકે છે. ગુસ્સાવાળી વ્યક્તિને લોકો ઓછા પસંદ કરે છે, જ્યારે પ્રેમ, લાગણી અને હસમુખી વ્યક્તિને લોકો વધારે પસંદ કરે છે. હવે આપે નક્કી કરવાનું છે કે આપે શું બનવું છે.

ગુસ્સાને કાબૂમાં રાખવા અહીં કેટલાક ઉપાયો આપની સમક્ષ મૂકી રહ્યો છું, જે મારા વાંચન અને અભ્યાસ દરમ્યાન મને જાણવા મળ્યા. ગુસ્સો અને ઝઘડો બંને એક જ સિક્કાની બે બાજુ છે. કોઈપણ પ્રકારના ગુસ્સામાં ઝઘડો થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં નુકશાન પોતાનું જ છે.

માટે જો ગુસ્સો આવે તો:

રોજ સવારે મેડિટેશન કરો.

ગુસ્સો આવે તો જે તે જગ્યા છોડી દો.

તમારા ભગવાનને યાદ કરો.

એક થી દસ સુધી ગણતરી કરો.

મનમાં કોઈ ગમતું ગીત ગાવું.

જોરથી હસવું. (મુન્નાભાઈ MBBSફિલ્મમાં એક પાત્ર હસે છે તે પ્રમાણે)

પોતાના પ્રિય પાત્રને યાદ કરવું, જેમકે બાળકો, પતિ કે પત્ની વગેરે.

જીવનમાં કોઈપણ કાર્ય મુશ્કેલ નથી. સતત ચિંતન, મનન, અભ્યાસ અને પ્રયત્ન થકી આપણે જે ઇચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ છીયે

રાકેશ પ્રિયદર્શી લિખિત પુસ્તક “સ્વને જાણો અને સફળ થાઓ માથી”

સતર્કતા કેમ જરૂરી ?

મારી સાથે થયેલ અનુભવ, આપ ચોક્ક્સ કઈંક શીખશો અને સતર્ક રહેશો.

છેલ્લા ઘણા વર્ષોથી વ્યવસાય અર્થે ગુજરાત અને સમગ્ર ભારતમાં ફરવાનું થાય છે.
શેર ઓટોમાં, સરકારી બસોમાં તથા ટ્રેનના જનરલ કોચની મુસાફરીમાં ઘણું શીખવા મળે છે. કેમ કે અહીં તમે તમામ પ્રકારના લોકોનું નિરીક્ષણ કરી શકો છો. મારા અત્યાર સુધીના અનુભવોમાં હું ઘણું શીખ્યો છું અને પરિપક્વ બન્યો છું, પરંતુ આજે જે અનુભવ હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું તે જાણીને ચોક્કસ આપને ફાયદો થશે અને આપ તકેદારી તથા સતર્કતા રાખશો તેવી મને આશા છે.

આજનો અનુભવ શેર કરતા પહેલા થોડા દિવસો પહેલા મારી સાથે જે અનુભવ થયો તે જાણવો ખૂબ જરૂરી છે.

૨૨ નવેમ્બર ૨૦૧૮ હું પુના શહેરની મુલાકાતે હતો. પુના શહેરના Tata motors પ્લાન્ટ પાસે આવેલ Tharmax ચાર રસ્તા પાસે રાત્રે અંદાજે ૧૦:૦૦ વાગે હું ટેક્સીની રાહ જોઈએ ઊભો હતો (ઓલા કેબ) હું રોડના મુખ્ય ભાગમાં ઊભો હતો જેથી કેબ આસાનીથી મારું લોકેશન શોધી શકે. ઠંડીની શરૂઆત હતી. હું જ્યાં ઊભો હતો ત્યાં થોડું અંધારું હતું, આજુબાજુમાં વાહન વ્યવહાર પણ ઓછો હતો અને પાસેના કૉમ્પ્લેક્સમાં અમુક યુવાનો બેઠા હતા. મારે પુના સ્ટેશનને જવું હતું અને હું ઉતાવળમાં હતો, વારંવાર કેબનું લોકેશન સર્ચ કરતો હતો. તેવામાં અચાનક દૂરથી એક મોટરસાયકલ મારી તરફ આવતી હોય તેવો મને આભાસ થયો, જોકે મારું ધ્યાન મોબાઈલમાં હતું. પરંતુ બહારગામની મુસાફરીમાં હંમેશા સતર્ક રહેવું તે મારો સ્વભાવ બની ગયો છે. અચાનક તે મોટરસાયકલની લાઇત બંધ થઈ ગઈ જ્યારે તે મારી તરફ આવતી હતી, હું સમજી ગયો કે કઈંક ગડબડ છે અને તરતજ હું સાવચેત થઈ ગયો. જોતજોતામાં મોટરસાયકલ ઉપર આવેલા બે લવરમૂછીયાઓ (અંદાજે ૨૦/૨૨ વર્ષના હશે) મારા મોબાઈલ ઉપર હાથ માર્યો અને મોબાઈલ છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું અડગ રહ્યો અને મોબાઈલ પકડી રાખવાનો પ્રયત્ન કર્યો. ઘભરાહટના કારણે મોઢામાંથી મોટો અવાજ નીકળી ગયો અને તેઓએ બિકના માર્યા હાથમાં રહેલ છરી મારા હાથ ઉપર ફેરવી દીધી. હું અજાણ હતો કે તેઓ પાસે હથિયાર છે. ઓચિંતી આફતમાં શું કરવું તે ક્યાંથી સૂઝે, છેવટે મોબાઈલ છોડવો પડ્યો. સદભાગ્ય મોબાઈલ નીચે પડી ગયો, અને બાદમાં પાછળ બેઠેલા યુવાનો દોડી આવ્યા. તમને બધી વાત સમજાવી. તેઓએ જણાવ્યું કે અહી વારંવાર ચોરીના બનાવો બને છે. અહીં સતર્કતા વાપરવાથી હું બચી ગયો. સાધારણ ઈજાને બાદ કરતાં. અનુભવ અને નિરીક્ષણ અહીં કામમાં આવ્યા. ઓલા કેબ આવી અને હું સ્ટેશને પહોંચી ગયો.

હવે વાત કરું આજના અનુભવની. (૨૦/૨/૧૯) આજે બપોરે અંદાજે ૧ વાગે હું બરોડા ચકલી સર્કલથી રિક્ષામાં બેસીને નારાયણ સર્કલ તરફ જઈ રહ્યો હતો. શટ્લ રિક્ષા હતી અને પાછળ સામ-સામે બે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. મારી સામે દુપટ્ટો બાંધીને એક બહેન બેઠેલા હતા, તે અંદાજે ૨૫/૩૦ વર્ષના હશે અને મોબાઈલમાં મગ્ન હતા. એક પેસેંજરને ઉતારવા માટે રસ્તામાં રિક્ષા ઊભી રહી, તેજ સમયે એક યુવાન અંદાજે ૨૦ વર્ષનો અને શરીરમાં પાતળો અંદાજે ૪૫/૫૦ કિલો વજનનો યુવાન પાછળ અડધો પગ બહાર રાખીને બેસી ગયો. આંખો સતત ચારે બાજુ ફરી રહી હતી, તે ઊંડા શ્વાસ લેતો હોય તેવું મને લાગી રહ્યું હતું અને જાણે રિક્ષામાંથી ઉતરીને ભાગવાની ફિરાકમાં હોય તેવું મને લાગી રહ્યું હતું. હું બ્લેક ચશ્મામાં સજ્જ હતો અને મારા બંને મોબાઈલ જિન્સના ખિસ્સામાં મૂકી દીધા, અને સાવધાનની અવસ્થામાં બેસી ગયો. પરંતુ મારી સામે બેઠેલા બહેન હજુ પણ મોબાઈલમાં વ્યસ્ત હતા. હું તેમને કઈ રીતે સમજાવું કે સાવધાન રહો, પેલો યુવાન પણ બપોરના સમયનો ફાયદો ઉઠાવવા માંગતો હોય તેવું લાગી રહ્યું હતું. એક સેકંડમાં પેલા બહેનના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને છું થઈ જાય તો કોઈને ખબર પણ ન પડે કેમ કે વચ્ચે-વચ્ચે સાધારણ ટ્રાફીક હતો અને રિક્ષાની ગતી ધીમી ગતિ. આપ જાણતા હશો મોબાઈલ ચોરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, અને પોલીસ જાણવા-જોગ અર્જીથી સંતોષ માની લે છે.
અચાનક મારા મનમાં વિચાર આવ્યો અને મદ્રાસમાં કામ કરવાનો અનુભવ અહી કામ લાગ્યો. મે મારા એક મોબાઈલથી બીજા મોબાઈલમાં મેસેજ કર્યો જેમાં લખ્યું હતું *તમારી બાજુમાં Doubtful માણસ બેઠો છે, તમે તમારો ફોન બેગમાં મૂકો* અને તે બહેનને કહ્યું કે If you know Gujarati, can you please translate this ? It’s urgent. બહેન કઈ વિચારે તે પહેલા મે તેમની સામે મારો મોબાઈલ ધરી દીધો અને તે બહેનને મે કહ્યુ કે પહેલાં તમે વાંચો અને સમજીલો પછી મને સમજાવો. પેલા બહેન પહેલા થોડા વિચલિત થયા પરંતુ બાદમાં મારો મેસેજ વાંચ્યા બાદ ઈશારો સમજી ગયા અને તરતજ પોતાનો મોબાઈલ પોતાની બેગમાં મૂકી દીધો. હું સાવધાનની અવસ્થામાં જ હતો. ખતરો તળી ગયો, અને પેલો ભાઈ પણ તરત જ રિક્ષા ઊભી રખાવીને ઉતરી ગયો. આ ઘટના તથા અનુભવમાં મારો શક કે અંદાજો કદાચ ખોટો પણ હોઈ શકે છે, પરંતુ મને સમય અને સંજોગો પ્રમાણે જે યોગ્ય લાગ્યું તે મે કર્યું.
નાની ઉંમરે નશાના રવાડે ચઢેલા આજના અમુક યુવાનો નશો કર્યા વગર રહી નથી શકતા અને તેઓ પૈસા મેળવવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે, રોજ છાપામાં છપાતી ઘટનાઓ તેના પુરાવા છે. મોજ શોખ અને જરૂરિયાતો પૂરી કરવા માટે લોકો શોર્ટકટ્સ અપનાવી રહ્યા છે. નક્લી કોલ સેન્ટરો ધમ-ધમી રહ્યા છે. ગઠિયાઓ દ્વારા બેંકમાંથી ઓનલાઈન પૈસા ઉપાડી રહ્યા છે.

સતર્ક અને સાવચેત રહો. આપની આસપાસ બનતી તમામ ઘટનાઓ ઉપર નજર રાખો, કોઈ તમને છેતરી તો નથી રહ્યું ને ! આજકાલ સરનામું પૂછવાના બહાને ચોરો મહિલાઓના ગળામાં લટકતો સોનાનો દોરો તોડીને ભાગતા વિચાર નથી કરતા. સતર્ક અને સાવચેત ના રહેવાને કારણે અસંખ્ય અકસ્માતો થઇ રહ્યા છે.

સતર્ક રહો.
સાવધાન રહો
સાવચેત રહો

– રાકેશ પ્રિયદર્શી